Tuesday, January 15, 2008

એક જ શબ્દ

એક જ શબ્દમાં હું તને, મારા મનનો ભાવ કહું,
પછી તારા મનનો ભાવ, મને થોડો સમજાવ કહું.

તમને જે લખેલું નથી વંચાતું મારી આંખમાં
એને કોઈને પણ, કોઈ પણ ભાષામાં વંચાવ કહું

ક્યાંક લખેલું છે મારું નામ તારી હથેળીમાં
આ અટપટી રેખાઓ કોઈ જોષી પાસે ઉકલાવ કહું

જાગતા ને ઊંઘતાં મને તારા જ સ્વપ્ના આવે
તું હોય કે તારું સ્વપ્ન, મનને થોડું બહેલાવ કહું

તારી હા કે ના માં ઝુલે જીવન અને મરણની પળ
એક જ શબ્દમાં આજે, લાગ્યો જીવનનો દાવ કહું.


ગિરીશ જોશી

પિયુજી

પે'લ્લા વરસાદનો છાંટો મુને વાગિયો,
હું પાટો બંધાવવાને હાલી રે!
વેંત વેંત લોહી કાંઇ ઊંચુ થિયું
ને જીવને તો ચડી ગઇ ખાલી રે!
સાસુ ને સસરાજી અબઘડીએ આવશે
કાશીની પૂરી કરી જાતરા રે!
રોજિંદા ઘર કામે ખલ્લેલ પહોંચાડે મુંને
આંબલીની હેઠ પડ્યા કાતરા રે!
પિયુજી છાપરાને બદલે જો આભ હોત
તો બંધાતી હોત હું ય વાદળી રે!
માણસ કરતા જો હોત મીઠાની ગાંગડી
તો છાંટો વાગે ને જાત ઓગળી રે!!!!!!!


અનિલ જોશી

પ્રતિક્ષા....


પ્રતિક્ષા કરતી રહી એ હરેક ક્ષણે, ઘડીક ઝરૂખે, ઘડીક ઊંબરે,
આમથી તેમ વિહવળ બની દોડતી રહી,
મન માં સતત એક જ રટણ આવે છે મારો પ્રિયતમ.

ક્યારેક હ્રદયનાં ધબકાર વધ્યાં,ક્યારેક હ્રદય દ્રવી ઉઠ્યું,
ક્યારેક હર્ષોલ્લાસમાં યાદ કરી, એ પ્રથમ મિલનના સ્પંદનોને,

સરી જતી પગલી વારે વારે, એજ મિલનના સ્મરણને વાગોળતી,
હમણા આવશે મારો પ્રિયતમ, મારા મનની વાત જાણી.

લઇ લેશે મને એના આશ્લેષ માં, ભુલાવી દેશે મારી વિરહ ની પળોને,
સમાવી લેશે મને એના હ્રદય કુંજમાં........

ફરી ભણકારા વાગ્યા એન્ના પગરવ નાં, લાગ્યુ કે એજ છે પગલિ દોડી દ્વારે,
નિરાશ વદને પાછી ફરી, સ્મૃતિમાં એની ખોવાઇ ગઇ....

અજાણતા નૈન વરસી પડ્યાં, હર્ષાવેશમાં પૂર ઉમટી પડ્યાં,
અર્ધખુલ્લા અધર, અર્ધખુલ્લા નૈન પ્રતિક્ષા એની કરતા રહ્યા....

ખરેખર! એ આવી પહોંચ્યો, કહે પ્રિયે! જો તારા માટે જ આવ્યો,
હવે કોઇ જુદાકરી ન શકે આપણને, એમ કહી અધર પામવા ઝુક્યો.....

અચાનક મિલનથી પ્રિયા હર્ષાવેશમાં, જરા એક ધબકાર ચુકી,
અર્ધખુલ્લા નયન સ્થિર થયા! જાણે પ્રિયતમ ને નિરખું છેલ્લી વાર,
અને પ્રિયા નિસરી હરિ ને દ્વાર.......................

સોનલ